પરમ આધ શકિત શ્રી સિધ્ધેશ્વરી માતાજી (શ્રી સધી માતાજી)....
દુર્ગા સપ્ત શતિના રચયિતા માર્કંડ ઋષિના મત મુજબ નિરંજન નિરાકાર પરમાત્માની દિવ્યશ સ્ફુરણ પરમ શક્તિ એજ મા આધશક્તિ...
જગતજનની જગદંબા મા આધશક્તિ થકી જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા ત્રિદેવનો આવિર્ભાવ થયો છે. મા આધશક્તિ સૃષ્ટિના મૂળ કારણભૂત છે અને એટલે જ તેમને મહામાયા તથા મહાશક્તિ કહે છે.
બ્રહ્મા (રજોગુણ), વિષ્ણુ (સત્વગુણ) અને મહેશ (તમોગુણ) કહેવાય છે. આ ત્રિવિધ ગુણથી સૃષ્ટિનું સર્જન થયું છે. મા સિધ્ધેશ્વરી આઘશક્તિ એ પરમાત્માની સ્વયં શક્તિ એટલે જ શ્રી પરબ્રહ્મ પરમેશ્વરી છે.
મા આધશક્તિના ગુણ સ્વયં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બાવન વીર અને બાવન પીર સમગૅ સૃષ્ટિ પરની બધી વનરાઈઓ વાઢીને તેની કલમ બનાવીને સાત મહાસાગરને શાહી લઈને ગાય તોય માના ગુણોનો પાર પામી શકાતો નથી.
સતી અવતારની કથા મુજબ સુદર્શન ચક્રથી માતા સતીના દેહના અંશ સૃષ્ટિ પર વિવિધ જગ્યાએ પડયા, ત્યાં મા આઘશક્તિ પ્રમાણ આપ્યા અને સમયાંતરે એકાવન શક્તિપીઠોનું નિર્માણ થયું. આ કથાનુસાર માતા સતીના મસ્તકનો ભાગ સિંધ પ્રદેશમાં પડયો હતો. તે આધશક્તિ હિંગળાજ ભવાની નામે પૂજાયા. મા શ્રી હિંગળાજ માતાની શક્તિપીઠ હાલના પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રદેશમાં આવેલ છે. હિંગ એટલે અગ્તિ સવ્રૂપ એવો અર્થ થાય છે. માતાજી જે પર્વત પર બિરાજમાન છે તે પર્વતનું નામ હિંગુલ અને નદીનું નામ હિંગોળ છે. આથી જ માતાજી શ્રી હિંગળાજ ભવાનીના નામથી પ્રસિદ્ધ થયા હશે તેવું માનવામાં આવે છે.
મા શ્રી હિંગળાજ ભવાનીના વચન મુજબ શ્રી રામાવતાર પછી રામનો શ્રી કૃષ્ણવતાર થયો, ને શ્રી કૃષ્ણઅવતારમાં ભગવાન શ્રી યોગેશ્વર કૃષ્ણએ મા આઘશક્તિને પ્રાર્થના કરી : 'હે માતેશ્વરી ! શંખાસુર દાનવનો જગત પર ઉત્પાત વધી ગયો છે, જેને તમારા વિના કોઈ હણી શકે તેમ નથી. તેથી જગતના જીવો પર આપ કરૂણા કરી પ્રગટ થાઓ.' ભગવાન શ્રીકૃષ્ણની કુળદેવી મા શ્રી હિંગળાજનું સ્વરૂપ જ માતા શ્રી મોમાઈ હતાં. માતા મોમાઈએ કૃષ્ણને કહ્યુ :
“હે શ્રી કૃષ્ણ ! કાળા ડુંગર પર બેસીને તમે મારા મોમાઈ સ્વરૂપનું સાડા ત્રણ દિવસ તપ કરો. એટલે હુ પ્રગટ થઈશ. કાળા ડુંગર પર આંબાનું એક ઝાડ છે. તેની ઉપર આજદિન સુધી કોઈ પક્ષી સુદ્ધા આવ્યું નથી. તેની ઉપર કાળી કોયલ બનીને હું સાડા ત્રણ ટહુકા કરીશ, ત્યારે માનજો કે હું ભવાની આવી. અને ,મારા આવવાથી 'કાળો ડુંગર' 'કોયલો ડુંગર' કહેવાશે."
મા શ્રી આઘશક્તિ મોમાઈના કહ્યા મુજબ શ્રી કૃષ્ણએ કાળા ડુંગર પર ગાંધવી ગામે સાડા ત્રણ દિવસનું તપ કર્યું અને સાંઢણી પર સવાર મા મુમ્માદેવી આંબાની ડાળે કાળી કોયલ બનીને ટહુક્યા તે દિવસથી કાળો ડુંગરે કોયલો ડુંગર કે કોયલાગઢના નામે ઓળખાવા લાગ્યો.
'હર' એટલે વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણએ એ આરાધી તે શક્તિ માટે શ્રી હરસિધ્ધિ અને 'હર' એટલે ભોળિયાનાથ અને 'સિધ્ધિ' એટલે શક્તિ માટે શ્રી હરસિધ્ધિ માતાજી... માતાજી આવ્યા ત્યારે એકલા આવ્યા નથી પણ શિવ અને શક્તિ સાથે આવ્યા છે.
શંખાસુરનો નાવધ કરીને શ્રીકૃષ્ણએ કોયલાડુંગર પર મા શ્રી હરસિધ્ધિ માતાજીનું સ્થાપન કરીને મંદિર બનાવ્યું. અને બાજુમાં, ભગવાન ભોળિયાનાથની પણ સ્થાપના કરી. કોયલાડુંગરવાળી મા શ્રી હર્ષદ ઘેર ઘેર પૂજાય છે.
આ જ કોયલા ડુંગર વાળા ગાંધવી ગામમાં પ્રભાતસેન નામનો રાજા રાજ કરતો હતો. એ રાજા વિકારી હતો. આથી માતાજીએ, એણે આપેલા શાપ મુજબ કોયલા ડુંગર ઉપર તેલના કડાયામાં તળાવું પડતું હતું. 92 લાખ માળવાનો વીર વિક્રમ રાજા અને પ્રભાતસેન માસિયાઈ ભાઈ થતા હતા. આથી પ્રભાતસેનને માતાજીએ કરેલી સજામાંથી મુક્તિ અપાવવા વિક્રમ રાજાએ પ્રાર્થના કરી, તેથી માતાજી પ્રસન્ન થયા અને પ્રભાતસેનને શાપમુક્ત કર્યો.
મા આધ્શક્તિના પર્ચાથી પ્રભાવિત વિક્રમાદિત્ય રાજાએ શ્રી હર્ષદ માતાજીને એની રાજધાની ઉજ્જૈન નગરીમાં પધારવા વિનંતી કરી. ત્યારથી મા ઉજ્જૈન નગરીમાં ક્ષિપ્રા નદીને કિનારે હરસિધ્ધિ મા સ્વરૂપે બિરાજમાન થયા.
કેટલાક માઈ ભક્તો પૂછે છે કે મા સધી મા 'શિકોતર માતાજી' ના નામથી કેમ પૂજાય છે ? શિકોતર એટલે શું ? સંસ્કૃત ભાષામાં કોટર એટલેસમુદ્ધ માનાં ખડકની બખોલ આ કોટર શબ્દનું પ્રાકૃતમા ' કોત્થર' થઈ ગયું. શ્રી + કોટર - શિકોતર થયું. દરિયાકિનારે કે નદી કિનારાની કોતરોમાં કે પર્વતમાળાઓના પથ્થરમાં વસનારી મહાશક્તિ એટલે શિકોતરમાતાજી જગડુશા વાણિયાના વહાણ તારીને મા આઘશક્તિ 'વહાણવટી શિકોતર' કહેવાયાં છે.
સિંધ પ્રદેશ, સિંધુ નદી પરથી સિંધોઈ, સિંધવાઈ, સેંઘણી માતાજી કહેવાય છે, શિવ સાથે વસનારી શક્તિ એ જ મા સિધ્ધેશ્વરી સર્વ સિધ્ધિઓની દાતા તેમાં સિધ્ધેશ્વરી, સિંધુ દરિયાના કોટર વહાણની રક્ષા કરનારી દેવી તેમાં સિધ્ધેશ્વરી.
ગ્રીસના લોકો સધીમાને 'સોક્રેટીદેવી'ના નામથી પૂજતા હતા. ગ્રીસના 'સિકોટા'ટાપુ ઉપર માનો વાસ હતો. તેથી દરિયાઈ માર્ગે જનારા ત્યાંના ખલાસીઓ માતાજીની પૂજા કરતા હતા. આ સોક્રેટી દેવી શબ્દ પરથી 'શિકોતર' શબ્દ થયાની પણ માન્યતા છે. દરિયાના ખોળામાં રમનારા દરિયાને ખૂંદનારા ખારવાભાઈઓ, ખલાસી ભાઈઓ, વહાણવટી અને નાવિકો, માછીમારો તથા ભારત ભરની અઢાર વરણમાં ધર્મોમાં માસધીમા જુદા જુદા નામ અને રૂપથી પૂજાય છે.
સોરઠના સમૃદ્ધપરના વિસ્તારમાં નાવિક, માલમ, ટંડેલ જેવી સાગર ખેડનારી જાતિઓ આ જોગમાયાને પૂજે છે. કેટલાક સમાજોમાં માતીજી 'સિંધુડી' નામથી પૂજાય છે. સુરત નજીકના હજીરાના સમુદ્ધ કાંઠે “રૂઢમગદલામાં' મા સધીમાનું ધામ આવેલું છે. તાપી નદી અને દરિયાનો જે જગ્યાએ હજીરામાં મેળાપ થાય છે. તે જગ્યા પર માતાજીનું મંદિર હોવાથી 'સંગમોત્તરી' નામના બદલે અપભ્રંશ થઈને 'શિકોતરી' થઈ ગયું છે તેમ પણ કહેવાય છે.
શ્રી લક્ષ્મી સ્વરૂપ પણ આજ માતાજીનું હોવાથી તેમનો વધુ વાસ સાગર કાંઠે છે. શ્રાવણી પૂનમના દિવસની માતાજીની પૂજાને દરિયાખેડૂઓ વધારે મહત્ત્વ આપે છે અને દરિયાદેવના ખોળામાં વહાણ હંકારતા પહેલા દરિયામાં એક શ્રીફળ પધરાવે છે, જેથી દરિયાદેવ અને મા શિકોતરની તેમના ઉપર કાયમ મહેર રહે છે.
જગડુશા શેઠના ડૂબતા વહાણ તાયાૅ હતા ત્યારથી મા વહાણવટી સિકોતર પણ કહેવાયા.
સિંધ પારકર પ્રદેશમાં હમીરની હાક વાગતી હતી. હમીર અને તેની પત્ની કકુ મા સધીની ભક્તિથી રંગાઈ ગયેલા. શ્રી સધી માતાના રૂડા પ્રતાપે એ પંથકમાં હમીરની બોલબાલા હતી, પણ હમીરને કામરૂ દેશમાં જઈને મેલી વિધા શિખવાની ચાનક ચડી. શ્રી સધી માતાજીએ હમીરને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અભિમાની હમીર માન્યો નહિ અને માતાજીની આજ્ઞાની ઉપરવટ જઇને હમીર મેલીવિઘા શિખવા ગયો. ત્યાં પોમલા નામની વ્યક્તિ સાથે હરિફાઈ થઇ અને પોમાએ મૂઠ-ચોટ મારણ વિધા અજમાવી, તેથી હમીર જમીનમાં અડધો ઊતરી ગયો. આમ, હમીરનો ઘમંડ ઓગળી ગયો. એને પશ્ચાતાપ થયો. મા સધીને હૃદયથી યાદ કરી પ્રાર્થના કરી, આથી મા સધીએ હમીરને ઉગાર્યો. પરંતુ, સમય જતાં હમીરની ભક્તિ ઓસરવા લાગી અને તે અભિમાનથી ચકચૂર બની ગયો હતો. તેથી મા ભગવતીને હમીરને છોડવાનો વખત આવી ગયો.
ગુજરાતમાં પાટણના રાજા સિધ્ધરાજનો રાજ્યાભિષેક થતો હતો, એ સમયે એની ભાભીએ હમીર કકુની ભેંસો લાવીને પાટણમાં બાંધી દેવાનુ મ્હેણું માર્યુ, આથી શુરવીર સિધ્ધરાજે ખાપરા ઝવેરીની મદદથી હમીર કકુની ભેંસાે લાવી પાટણમાં બાંધી દીધી. ફરીથી હમીરનો ગર્વ ઊતરી ગયો. હમીર કકુએ શ્રી સધી માતા સમક્ષ આજીજી કરીને ભેંસો પાછી લાવવાની વિનવણી કરી. હમીરની આજીજીથી દયાળુ સધી માતાએ કરૂણા કરી. પાટણ જઇ હમીરની ભેંસો પાછી અપાવી. પરંતુ, હવે માતાજીને હમીર કકુના પ્રદેશમાં પરત જવું ન હતું. સાથે સાથે પાટણના રાજવી સિધ્ધરાજ પણ પરમ શક્તિ ઉપાસક હતા. તેમણે પણ માતાજીને પાટણમાં બિરાજમાન થવાની વિનંતી કરી. આથી શ્રી સધી માતાજી પાટણની ઐતિહાસિક રાણકી વાવમાં બિરાજમાન થયા એવું કહેવાય છે. પાટણના ત્રણ દરવાજે સધી માતાજીનો ગોખ છે. આ જાહેર રસ્તાઉપર પણ શ્રી સધી માની દિવ્યજ્યોત સતત પ્રજ્જવલિત રહે છે.
આમ, જગતજનની જગદંબા સિધ્ધેશ્વરી માતા મા દુર્ગાનું વિશિષ્ટ દિવ્ય સ્વરૂપ છે, જે અલગ અલગ કાલખંડોમાં અલગ અલગ પ્રદેશમા અલગ અલગ સ્વરૂપે પૂજાયા અને બિરાજમાન થયા છે. ગુજરાતમાં કોયલા ડુંગર, કંડા, લાડોલે, , રાલજ (ખંભાત), પાટણ વગેરે સ્થળોએ શ્રી સિધ્ધેશ્વરી માતાજીના દિવ્ય સ્થાનકો છે.
દેવીપુરાણ કહે છે કે, આઘશક્તિ તો જગતનું સર્જન ન હતું ત્યારે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. આમ દેવીશક્તિ શાશ્વત, સનાતન છે. અખિલ બ્રહ્માંડની સર્જનહાર, પાલનહાર શક્તિ પણ મા જ છે. આવી અખંડ જોગમાયાના પ્રાગટય વિશે લખી કે વર્ણવી શકાતું નથી, પણ લોકિક દષ્ટિએ આપણે સૌ સૌની દંષ્ટિ, મત, માન્યતાઓ, લોકકથાઓ, દંતકથાઓ, ટ્રે ઐતિહાસિક કથાઓ કે પુરાણોના આધારે માનતા ગુણ ગાઈને પાવન થવાનો પ્રયાસ કરીએ છીએ.